Saturday, 23 January 2016

અ હોલીડે
                        હોલીડે સાચે જ પવિત્ર દિવસો હોય છે નહિ? આમ હૃદયમાં  ઠંડક પહોચે અને મનમાં શાંતિ થાય અને ફરી અર્જુનની જેમ લડવા તૈયાર થઇ જઈએ એવો દિવસ પવિત્ર જ કહેવાય ને? કેમ રજાના દિવસો એટલા ખાસ છે? એ દિવસે આપણે એલાર્મ વાગ્યા ની સાથે પાકિસ્તાને હુમલો કર્યો હોય એમ ઉભા થઇને ભાગવું નથી પડતું. એ દિવસે બાળકોને સવાર સવાર માં યુનિફોર્મ  પહેરવા અને દુધ પીવા માટે મમ્મીઓની બુમો સંભાળવામાંથી મુક્તિ મળે. ઓફીસમાં જવા માટે બસના ધક્કા અને પેસેન્જરોના પરસેવાની વાસમાંથી મુક્તિ. ગૃહિણીઓને બ્રેકફાસ્ટ, લંચ, ડીનર અને હાઉસ-હોલ્ડના આર્મી જેવા ટાઈટ શેડ્યુઅલ માંથી મુક્તિ.
                     તે ઉપરાંત પણ રજા ના દિવસો ના સ્પેશીયલ બોનસ પણ હોય છે. આ દિવસોમાં સમય પાસે એક ઠહેરાવ હોય છે. એ જ ચોવીસ કલાકમાં આપણે જરાક આપણી આજુબાજુના વિશ્વમાં ઝાંકવાનો મોકો મળે છે. ઉઠીને સૂર્ય સામે કે આપણા આંગણાના ફુલ છોડમાં આવેલી નવી કળી સામે જોવાની ફુરસત મળે છે. એ દિવસે આપણે ખબર પડે છે કે ચોકમાં કબુતર આવે છે એ દાણા ચણીને એક ની પાછળ એક ઉડતા જાય છે અને કોઈના છજા પર મીટીંગ ભરીને ફરી એકની પાછળ એક ઉડતા ઉડતા ચોકમાં દાણા ચણવા આવે છે. એ દિવસે આપણે શિયાળુ પવનનો ચહેરા પર સ્પર્શ થાય અને જે લખલખું પસાર થઇ જાય તેનો અચાનક અહેસાસ થાય છે. એ દિવસે ચકલીની પાંખોના ફફડાટનો અવાજ કાન સાંભળી શકે છે. એ દિવસે આપણા માટે ચા નાસ્તો, નહાવાનું , જમવાનું કે ઊંઘવાનું એક કામ નથી હોતું.... આપણે એ દિવસે ચા માં આદુ કે ફુદીના નો સ્વાદ આવે છે, એના એ પૌંઆ પત્ની સરસ બનાવે છે એવું લાગે છે અને પત્ની ને રોજ ના એ ના એ રૂટીન ની કદર થવાની મજા આવે છે, પાર્કમાં બાળકોની કિલકારીઓ એમને મૂકીને જવાની અઠવાડિયાની પીડા માંથી થોડી શાંતિ અપાવે છે. એ દિવસે પપ્પાને ઘૂંટણ માં દુખાવો વધ્યો છે કે ઘટ્યો છે એ ખબર પડે છે. બીજા દિવસો જેવી જ સવાર અને બીજા દિવસો જેવી જ સાંજ છતાં પણ એક નવો જ દિવસ વીતે છે અથવા આપણે નવા કરી દે છે.
                      એક વિચિત્ર બીમારી કોઈક ને લાગુ પડેલી હોય છે કે જે પૈસા ને કમાવવા આખું અઠવાડિયું ક્રેઝી જેમ ભાગ્યા એ રૂપિયા ને વાપરવા માટે ક્રેઝીની જેમ ભાગવાની. એક સ્પર્ધા સર્જાય છે શોપિંગ અને લકઝરિઅસ આઉટીંગની, પણ જો દોડવાની પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય તો એ વિક-ડે છે કે વિકેન્ડ એનાથી બહુ  ફેર નથી પડતો બસ રૂપિયા એક ખિસ્સામાંથી બીજા ખિસ્સામાં જાય છે. કોઈ શોખ પાળેલો હોય તો રજાનો દિવસ ઓર સુંદર જાય. અને જે દિવસે અઠવાડિયાના થાકેલા, હારેલા સભ્યો જે ઘરનો આશરો લે છે એની કીમત એક દિવસ પુરતી મંદિર જેવી આંકી શકાય. એ એક દિવસ પુરતી ઘર માં શાંતિ અને સૌમ્યતા જળવાય, એક દિવસ પુરતું બધાની લાગણીઓને માન આપી શકાય કે એક દિવસ પુરતું ઘરના બધા સભ્યોની સાથે હુંફાળું વાતાવરણ રાખી શકાય તો કદાચ પુણ્ય મળે અને એ દિવસે ઘરનું વાતાવરણ બિનજરૂરી આક્રોશમાં કે તનાવભર્યું રહે તો કદાચ  પાપ પણ લાગે એઝ પર લેટેસ્ટ એમેન્ડમેન્ટસ ઇન શાસ્ત્રઝ..... લોલ.. હેવ અ ગ્રેટ સંડે.